Home> Gujarat
Advertisement
Prev
Next

રાજ્ય સરકારની મહત્વની જાહેરાત, કમુરતા બાદ દરેક ખેડૂતના ખાતામાં આવી જશે પાક વીમાની રકમ

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે હોમટાઉન રાજકોટ ખાતે કિસાન સંમેલનમાં હાજરી આપી. આ દરમિયન અનેક ખેડૂતોને નાની મોટી સહાય કરવામાં આવી. શહેરના હેમુગઢવી હોલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 

રાજ્ય સરકારની મહત્વની જાહેરાત, કમુરતા બાદ દરેક ખેડૂતના ખાતામાં આવી જશે પાક વીમાની રકમ

રાજકોટ: રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે હોમટાઉન રાજકોટ ખાતે કિસાન સંમેલનમાં હાજરી આપી. આ દરમિયન અનેક ખેડૂતોને નાની મોટી સહાય કરવામાં આવી. શહેરના હેમુગઢવી હોલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં રૂપાણીએ ખેડૂતોને સંબોધન પણ કર્યું. સીએમ રૂપાણીએ પોતાના સંબોધનમાં કહ્યું કે 'ભારતીય જનતા પાર્ટી માને છે કે ખેડૂત સુખી તો ગામડું સુખી, ગામડું સુખી તો જ શહેરમાં પૈસા આવે અને શહેર વિકાસ પામે. એ રીતે વિકાસની યાત્રામાં જગતનો તાત કિસાન સંતુષ્ટ બને, સુખી બને એ ચિંતા ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. આથી ભાજપનું સૂત્ર છે કે અયોધ્યામાં રામ, યુવાઓને કામ, કિસાનોને યોગ્ય દામ, મોંઘવારી પર લગામ, હટાવો ભ્રષ્ટાચારી બદનામ. આ રીતે ભાજપની સરકારો દેશભરમાં કામ કરી રહી છે.'

લોકોને સમયસર યુરીયા બિયારણ મળે તે માટેના પ્રયત્નો 
તેમણે કહ્યું કે 'ખેડૂતને શું જોઈએ? સમયસર સારૂં બિયારણ અને સારૂ ખાતર મળે. કમનસીબે ભૂતકાળમાં બોગસ બિયારણો પર ફરિયાદો આવતી હતી. યુરિયામાં લાઠીચાર્જ કરતા હતાં. પાક ઊભો હોય અને યુરિયાની જરૂર હોય ત્યારે યુરિયા મળે નહી. લાઈન લાગે અને લોકોને સહન કરવું પડે. લોકોને સમયસર યુરિયા મળતું નહતું. ત્યારે સરકારે નક્કી કર્યું કે બિયારણ બોગસ થાય નહીં. અમે સતત રેડ પાડી અને નકલી બિયારણ વેચનારાને સજા કરાવવાના પ્રયત્નો પણ કર્યાં. યુરિયાને નીમ કોટેડ કર્યું. યુરિયામાં હવે લાઈન લાગતી નથી.'

સૈની યોજના ઝડપથી પૂરી કરવાની કામગીરી 
મુખ્યમંત્રીએ કહ્યું કે 'ખેડૂતને ત્યારબાદ પાણી અને વીજળી જોઈએ. પાણી માટે આપણે જાણીએ છીએ કે સૌરાષ્ટ્રનો ખેડૂત પાણી માટે વલખા મારતો હતો. કમનસીબે ભૂતકાળમાં નર્મદાના ડેમને ઝડપથી પૂરો કરવામાં અનેક રોડા નંખાયા. 1960માં નર્મદાના પાયા નખાયા હતાં. નર્મદા યોજનામાં કારણ વગર વિલંબ કરાવીને વર્ષો સુધી પાણી દરિયામાં વહી જાય અને અહીં ખેડૂત પાણી વગર ટળવળે. આ યોજના પીએમ નરેન્દ્ર મોદીએ ઝડપથી પૂરી કરાવી. નર્મદાના પાણીને ભાવનગર અને સુરેન્દ્રનગર સુધી પહોંચાડ્યાં.'

તેમણે કહ્યું કે 'સમાજના ખેડૂતને પાણી અને વીજળી જો બરાબર મળે તો એના બાવડામાં તાકાત છે કે દુનિયાની ભૂખ ભાંગી શકે એટલું ધાન પેદા કરવાની ખેડૂતોના ખભામાં પડેલી છે. પરંતુ આજ સુધી તેના વિચાર થયા નહીં. આથી નક્કી કરાયું કે સૌની યોજના સૌરાષ્ટ્રમાં પૂરી કરવામાં આવે. આજે આ યોજનાનું 70થી 75 ટકા કામ પૂરું કરવામાં આવ્યું છે. અને હવે આ વર્ષ 2019માં જ કામ પૂરું કરીશું.' 11,000 હજાર કરોડના ખર્ચે 115 ડેમ સીધા નર્મદા સાથે જોડાય, ખેડૂતોને પાણી મળે, લોકોને પીવાનું પાણી મળે અને સૌરાષ્ટ્રમાં દુષ્કાળ હવે ભૂતકાળ બને એટલા માટે આ સૌની યોજના ઝડપથી પૂરી કરવી છે. 

દરિયાનું પાણી મીઠું કરવા માટે સરકારની કવાયત
રૂપાણીએ કહ્યું કે 'ખેડૂતોને વધારાનું પાણી મળે તે માટે સૌરાષ્ટ્રના દરિયા કિનારે ખારા પાણીને મીઠા કરવા આ મહિનાના અંત સુધીમાં દ્વારકા, વેરાવળ, પોરબંદર, ભાવનગર, જોડિયામાં ખારા પાણીને મીઠા કરવાના પ્લાન્ટ લગાવવામાં આવનાર છે. એક એક પ્લાન્ટ રોજ 10,000 કરોડ લીટર દરિયાનું પાણી મીઠુ બનાવશે. આ પાણી પણ ખેડૂતોને આપવામાં આવશે. આ  કામ ઝડપથી થાય એટલે આ મહિનાના અંત સુધીમાં બધા ટેન્ડરો ફાઈનલ કરાશે. બે વર્ષમાં આ કામ થઈ જાય એવા પ્રયત્નો કરાશે.' 

આ રીતે કરી શકે ખેડૂત પોતાની આવક બમણી
પોતાના સંબોધનમાં રૂપાણીએ કહ્યું કે 'વીજળી માટે પણ નક્કી કરાયું છે. ખેડૂતોને અગાઉ લંગડી વીજળી મળતી હતી. લંગડી વીજળી એ ભૂતકાળની કોંગ્રેસ સરકારની દેન છે. વીજળી સારી ન મળે, મોટરો ઉડી જાય, પંખો બંધ થઈ જાય, ટ્રાન્સફર્મરો ફાટી જાય આપણે બધાએ ભૂતકાળના દિવસો જોયા છે. જ્યોતિગ્રામ યોજના બન્યા બાદ સારી વીજળી 8 કલાક નિયમિત મળે, ટ્રાન્સફર્મરો બળે નહીં, મોટરો રિવાઈન્ડ કરવા ન જવું પડે અને આ રીતે વીજળી અપાઈ. '

'પરંતુ હવે સરકારે નક્કી કર્યું છે કે ખેડૂત વીજળી ખરીદનારો નહીં પરંતુ વેચનારો બને. ખેડૂત પોતે વીજળી ઉત્પન્ન કરે. એટલા માટે સરકારે સ્કાય યોજનાને આજે લોન્ચ કરી દીધી છે. સરકારે ટ્રાયલ બેઝ પર કામ શરૂ કરી દીધુ છે. જેમાં સૂર્ય ઉર્જા માટે ખેતરમાં જ સોલર પેનલ લાગે. સવારે સૂર્ય ઉગે અને આથમે એટલે કે લગભગ 12 કલાક એમાંથી વીજળી ઉત્પન્ન કરે. પોતાને જરૂર હોય એટલી વીજળી વાપરે અને પોતાને જરૂર નહોય એટલી વીજળી સરકારને વેચી દે. સરકાર તેના પૈસા આપશે. ખેડૂતને ખરા ઉનાળામાં તો ઓછી વીજળી વાપરવાની હોય છે કારણ કે ઉનાળુ પાક ઓછા લેવાય છે. ત્યારે વીજળી ખુબ ઉત્પન્ન થાય અને એ વીજળી સરકારને વેચે. ખેડૂતની આવક બમણી કરવા માટે સરકારે અનેક પગલાં લીધા છે તેમાંનું આ એક મહત્વનું પગલું છે. ખેડૂતને તેમાંથી આવક પણ  થાય અને ખેડૂત વીજળી વેચતો પણ થાય. 

સવારે 6થી સાંજે 6 સુધી ખેડૂતને નિયમિત વીજળી મળે અને તે વીજળી સરકારને વેચતો પણ થાય એ પ્રકારનું આયોજન આ રાજ્ય સરકારે કર્યું છે. આખા દેશમાં આવું આયોજન કરનાર ગુજરાત પ્રથમ છે. આવનારા દિવસોમાં ખેડૂત સૂર્યઉર્જાથી વીજળી બનાવતો થાય અને એ વીજળી વાપરતો થાય એ દિશામાં પણ આપણે આગળ વધી રહ્યાં છીએ.' ખેડૂતના પાકની ઉપજ માટે પણ સરકાર કામ કરી રહી છે. સરકારે ખેડૂતના પાક ટેકાના ભાવથી ખરીદવાનું નક્કી કર્યું છે. દાવા સાથે  કહીશ કે છેલ્લા 3 વર્ષમાં 6700 કરોડની ખેડૂતના ધાનની ખરીદી કરાઈ છે. ભૂતકાળમાં ટેકાના ભાવથી ખરીદી કરાતી નહતી. 

ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે લોન ઉપલબ્ધ
સીએમએ કહ્યું કે 'ભૂતકાળમાં ખેડૂતો જે લોન લેતા હતાં તેનું 18 ટકા વ્યાજ લેવાતું હતું. છેલ્લા 3 વર્ષથી સરકારે નક્કી કર્યું છે કે વ્યાજના ખપ્પરમાં ખેડૂત ન હોમાય એટલે ઝીરો ટકા વ્યાજે લોન આપવાનું નક્કી કર્યું છે. સરકાર પોતે 7 ટકાથી લોન લે છે. આથી સરકાર ખેડૂતનું વ્યાજ ભરશે પરંતુ ખેડૂતને ઝીરો ટકા વ્યાજે લોન મળશે. ઝીરો ટકા વ્યાજે લોન એ લોન જ ન ગણાય.' 

એવી ફરિયાદ મળી છે કે બેંકમાં વ્યાજ મોડું જમા થાય છે તેના કારણે ખેડૂતોને તકલીફ પડે છે. હાલમાં જ કેબિનેટમાં નિર્ણય લેવાયો કે ટેમ્પરરી તે વ્યાજના 500 કરોડ રૂપિયા  રાજ્ય સરકાર આપે અને  ખેડૂતને ઝડપથી તેનું વ્યાજ ચૂકવાઈ જાય એ દિશામાં રાજ્યની સરકાર કામ કરી રહી છે. 

ટૂંકમાં ખેડૂતને ઝીરો ટકા વ્યાજે લોન, પાણીની વ્યવસ્થા, વીજળીની વ્યવસ્થા, ખેડૂત વીજળી વેચતો થાય, ટેકાના ભાવથી ખરીદી થાય, ખેડૂતને પૂરતા ભાવ મળે, ખેડૂતને સારું બિયારણ, ખાતર મળે તે દિશામાં પ્રયત્નો થઈ રહ્યાં છે. ખેડૂતોને ટ્રેક્ટરની સહાયતા, કાંટાળી વાડની મદદ. 

ડિપીરિગેશન સૌથી વધુ ગુજરાત કરે છે, ચાલુ વર્ષે 2 લાખ હેક્ટરનો લક્ષ્યાંક 
આખા ભારતમાં સૌથી વધુ ડ્રિપીરિગેશન ગુજરાતની સરકાર કરે છે. અત્યાર સુધી 17 લાખ હેક્ટર જમીનમાં ડ્રિપીરિગેશન કરાયું છે. દર વર્ષે દોઢ દોઢ લાખ હેક્ટર આપણે વધારતા જઈએ છીએ. આ વર્ષે પણ 1,60,000 હેક્ટર જમીન આપણે કવર કરી લીધી છે. ચાલુ વર્ષે લક્ષ્યાંક 2 લાખ હેક્ટરનું છે. 

આવનારા દિવસોમાં દરેક જગ્યાએ પાણીનો બચાવ થાય, ડ્રિપીરિગેશન બધા ખેડૂતો વાપરતા થાય, 75 ટકા સબસિડી આ રાજ્યની સરકાર આપી રહી છે. ડ્રિપીરિગેશનનો વ્યાપ વધે અને પાણીનો બચાવ થાય અને બચેલુ પાણી એક નહીં પણ 2 કે 3 સીઝન ખેડૂત લેતો થાય તે માટે પાણી બચાવનો પણ સરકાર વિચાર કરી રહી છે. 

આ વર્ષે ઓછો વરસાદ થયો, પાક નિષ્ફળ ગયો ત્યારે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે દર વર્ષે માત્ર પાંચ ઈંચ વરસાદ પડ્યો હોય તેને અછતગ્રસ્ત તાલુકા ગણાવાતા. આ વખતે સરકારે નક્કી કર્યું કે પાંચ ઈંચ વરસાદવાળા તો અછતગ્રસ્ત તાલુકા ગણાશે જ પરંતુ જ્યાં એકસાથે 8 ઈંચ પડી ગયો હોય પણ છેલ્લો વરસાદ 35 દિવસ સુધી પણ ન પડ્યો અને પાક નિષ્ફળ ગયો. લોકોની લાગણીને ધ્યાનમાં રાખીને સરકારે હિંમત કરીને 125 મીમીમાંથી બહાર નીકળીને 350 મીમી એટલે કે 14 ઈંચ વરસાદ જ્યાં પડ્યો હશે તેવા તમામ તાલુકાઓમાં અછત જાહેર કરીશું. 2300 કરોડ રૂપિયા આ અછતગ્રસ્ત વિસ્તારોમાં ખેડૂતોને અપાશે.

15 જાન્યુઆરી પછી પાકવીમાના પૈસા ખાતામાં આવવા લાગશે
સરકાર ગામડાઓની સરકાર છે, ખેડૂતોની સરકાર છે. પીડિત અને શોષિતોની સરકાર છે. જાડી ચામડીવાળા લોકોની નહીં, ઋજુ લોકોની સરકાર છે. લોકોની વેદનાને જાણનારી સરકાર છે. સૌના સુખે સુખી અને સૌના દુખે દુખી થનારી સરકાર છે. સમગ્ર રાજ્યમાં સરકાર ફોર્મ રજિસ્ટ્રેશન કરી રહી છે. અછતગ્રસ્ત વિસ્તારના ખેડૂતોના ફોર્મની ચકાસણી થઈ રહી છે. તે પતી જશે પછી લગભગ કમૂરતા ઉતરે એટલે કે 15 જાન્યુઆરી પછી બધાના ખાતામાં પૈસા મળવા માંડે એ પ્રકારે મંજૂરી પત્રો આપવામાં આવી રહ્યાં છે. મંજૂરી મળી ગયા પછી બધાના ખાતામાં પૈસા પણ ઝડપથી આવવા માંડશે. 

આ કાર્યક્રમ દરમિયાન જગતના તાત એવા 156 જેટલા ખેડૂતોને નાની મોટી ખેત સહાય કરવામાં આવી. 26 ખેડૂતોને ટ્રેક્ટર આપવામાં આવ્યાં. કિસાન સંમેલન અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 

ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More